ગઝલ લખુ છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.
પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.
પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.
સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.
જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.
જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.
આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.
નિહાળો દૂરથી ‘નાશાદ’ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.
ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘