એકલતામાં અરજી લખજો.
સંબોધનમાં સરજી લખજો.
વર્ષો વીત્યાં તો પણ શાને,
ચાહત લાગે ફરજી લખજો.
સંસારે સાંધો દેવો છે?
તનના દોરે દરજી લખજો.
ચાદર વચ્ચે તણખાં ઝરશે,
સળ ખંખેરી મરજી લખજો.
મડદામાં ચેતન ફૂંકે છે,
પ્રીતમ છેકી હરજી લખજો.
કાગળ પણ કરગરવા લાગે,
શબ્દે શબ્દે ગરજી લખજો.
રોજ ઉદાસી જેને વરશે,
એ અક્ષરને વરજી લખજો.
સંગીતા સુનિલ ચૌહાણ “તપસ્યા”