એક જણ કટ્ટર હદે ધાર્મિક હતો.
ને વળી કહેતો હતો આસ્તિક હતો.
ક્યાં તમારો પ્રશ્ન પણ હાર્દિક હતો?
મારો ઉત્તર એટલે બૌદ્ધિક હતો.
જે દિલાસો દિલમાં વાસો ના કરે;
માનજો એ ખરખરો શાબ્દિક હતો.
એમ બોલ્યો ” હાથ ધોવા દો પ્રભુ”;
નાવનો આ વખતે જે માલિક હતો.
પૂછજો એકાંત એનું અન્યને;
ભીડમાં તો સો ટકા નૈતિક હતો.
એ જીવ્યો પણ ને મર્યો પણ એ રીતે;
આત્મનિર્ભરતા વિષે મૌલિક હતો
ખાસ લોકો ને જ આમંત્રણ હતું;
કાર્યક્રમ આખો જે સાંસ્કૃતિક હતો.
ગૌરાંગ ઠાકર