એક વયે આકાશ ગમે
ને એક ઉંમરે માળો.
વયની સાથે સમય માંડતો
સ્મરણોનો સરવાળો…
મળતો જીવતર કેરો તાળો.
ઓરડાનો ઉંબર ઓળંગી
આંગણમાં બહુ દોડ્યો.
આંગણ મુકી જોતજોતામાં
ગલી મહોલ્લો છોડ્યો.
પાદરથી આગળ વધવામાં
ઉંબર રહી ગયો પાછળ.
“આવજો” કહેવા લખ્યો હતો
એ ખિસ્સે રહી ગયો કાગળ.
આકાશે ઉડવાનો
મારે ભીતર હતો ઉછાળો..
ગયાં ભૂલાઇ ગલીના એ
ગુલમહોર ને ગરમાળો…
ધૂળ વતનની, મૂળ વતનનાં
પછી ન આવ્યાં યાદ.
રુપિયા રળવાની પાછળ
હળવા ભળવાનું બાદ.
તન ને મનના આનંદોમાં
જીવતર થઇ ગયું વ્યસ્ત.
ધીરે ધીરે થાતો ચાલ્યો
પ્રવૃત્તિનો અસ્ત.
વાળનો રંગ પણ થયો ત્યાં ધોળો,
કદી હતો જે કાળો.
કલપ કરી કરી કેટલાં દિવસો
ભ્રમણાને પંપાળો ?
સાંજ ઢળી જ્યાં જીવતર કેરી,
પાંખને લાગ્યો થાક.
આકાશેથી પાછા ફરતાં
વયનો કાઢ્યો વાંક…
આકાશે જે આપી હતી
તે સ્વતંત્રતા વિસરાઇ .
માળામાં જે માણવા મળતી
સલામતી સમજાઇ.
ઉડવા ટાણે ઉડી લીધું,
ગમે બેસવા ડાળો.
સમય રહ્યો છે પાસે જે એ
માળા મહીં જ ગાળો.
આ જ હતું આકાશ કે ત્યારે
લાગતું’તું જે માળો..
આજ હવે આ માળાના
આકાશે સમય ઓગાળો
– તુષાર શુક્લ