પાંચ સાત બીલ્ડીંગે ભેગા મળીને એક ઝાડવાની ડોક ઉપર ચાકુ ધર્યું.
એટલે તો વાદળાને વાંકુ પડ્યું.
વીજળી તો મુંગી થઈ ભાગી છૂટી ને એક વાદળી ક્યે વરસે ઇ બીજા.
બાજરાના રોટલાની જગ્યા પચાવીને બેસી ગયા છે કૈં’ક પીત્ઝા.
રેઇનકોટ, છત્રીના વેપારી રોયા તે આંખમાંથી આંસુ નહીં ઝાંઝવુ ખર્યું.
એટલે તો વાદળાંને વાંકુ પડ્યું.
ચોમાસું બોલ્યુ કે વાદળ તો સાચા ને સાચાને કઇ રીતે ટાળવા ?
હૈયા જો હોય ને તો પળમાં પલાળીએ પણ પડછાયા કેમના પલાળવા ?
યાદ કરો ક્યા દિવસે દોટ મૂકી નીકળ્યા ને આવેલા છાંટાનુ સ્વાગત કર્યુ ?
એટલે તો વાદળાને વાંકુ પડ્યું.
-કૃષ્ણ દવે