ઉગે છે એ આથમવાનું,
એમ વિચારી નહીં ઉગવાનું?
યાદ તો છે ને? કે ભૂલી ગ્યો?
પાછું અહીંયા અવતરવાનું!
એની સામે બોલાયું નહીં,
રોજ હવે એ બડબડવાનું.
કામ મળ્યું છે સાવ નિરર્થક,
અજવાળામાં ઝળહળવાનું.
પાર ઉતરવું હો જેમાંથી,
પહેલાં તો એમાં ડૂબવાનું.
દર્પણમાં જે રોજ મળે છે,
તારે ‘એનાથી’ બચવાનું!
હોય ન ઈચ્છા દીવાની પણ,
કાયમ ના હો’ કામ હવાનું.
એના લીધે આવ્યું આંસુ,
એ ય હવે તો ઉજ્જવવાનું.
હૂંફ મળે છે તમને તેથી,
મે ય સ્વિકાર્યું ધખધખવાનું.
‘એને’ પણ ગમતી છે ગઝલો,
એ જ તો કારણ છે લખવાનું.
વરસી જાવું તો સહેલું છે,
અઘરું છે બસ વાદળવાનું.
-માધવ આસ્તિક