સ્વીકાર્ય છે કે એક મુઠ્ઠીથી વધુ અસ્તિત્વ છે નહીં,
પણ હાર માની ચૂપ રહું એવું જરા વ્યક્તિત્વ છે નહીં.
વિશ્વાસનો લઈ મત સદા જીતી જશું સંજોગ આકરા,
સંકલ્પથી હો પાંગળું એવું જુઓ નેતૃત્વ છે નહીં.
સોપાન થઈ સૌને શિખર પહોંચાડવા યત્નો કર્યા સતત,
રસ્તા ઉપરના પથ્થરો જેવું કદી કર્તૃત્વ છે નહીં.
પીતાં ન સહેજે આવડ્યું તેથી ફક્ત બોલી રહ્યા હશે,
પ્યાલી ધરી જે પ્રેમની એમાં જરાયે સત્વ છે નહીં.
પ્રત્યેક કણમાં નાદ એનો સાંભળ્યો બસ એ ક્ષણે થયું,
અસ્તિત્વ એનું હોય ના, એકેય એવું તત્વ છે નહીં.
– જિજ્ઞા ત્રિવેદી