એ ઊઠે છે ત્યારે
અધૂરી ઊંઘ ઉઠવા દેતી નથી
થાક હજુય ચોંટેલો છે પાંસળીઓમાં
એ ન્હાય છે ત્યારે
ઘસી ઘસીને ધુએ છે શમણાં
એ ચાલે છે ત્યારે દોડે છે
છતાં ક્યારેય પહોંચી શકી નથી સમયસર
તે રાંધે છે ભોજન સર્વને માટે
મીઠા ઓડકારો સાંભળીને ધરાય છે પેટ
ફૂલછાબ સમા શબ્દોની
મળી નથી કદી ભેટ
બધું સમયસર થવું જોઈએ
દરેક વસ્તુ હોવી જોઈએ તેની જગ્યાએ
માત્ર એ પોતે જ નથી તેની જગ્યાએ
ભીંસાઈને ચઢવી પડે છે શ્વાસોની સીડી
ઊંઘ જ્યારે પોપચાને અડે છે
ત્યારે જ એલાર્મ વાગે છે
અને એની હાજરીથી ખુશ થતું ઘર
ખડખડ હસે છે…
– દીવાન ઠાકોર