તારાં સુધી પ્હોંચાય ને તો જલસો,
કંઈક એવું થાય ને તો જલસો.
હો કંટકો સાથે ભલેને દોસ્તી,
પણ જાત આ મ્હેકાય ને તો જલસો.
પડદો પડે નઇ ત્યાં સુધી ઓ દોસ્તો;
કિરદારમાં રે’વાય ને તો જલસો.
વર્ષોથી જેની રાહ જોઈ છે મેં,
સામે એ આવી જાય ને તો જલસો.
સાહેબ જ્યાંથી હું ઊભો થાઉં ને;
ત્યાં ખોટ જો વર્તાય ને તો જલસો.
કાનજી ગઢવી ‘સાહેબ’