કાળાડીબાંગ આભના ગાભ આ ધરતી પરે જો જળુંબ્યા!
ઉરધરામાં કંપન ઉઠ્યા હિબકા રૂપી, અધરાતે આ મેઘલ રાતે!
ઉન્નત ઉરોજ મેરૂ ધ્રૂજ્યા અષાઢની સાથે,
કમખે ટાંક્યો મોરલા મૂંગો મરને મૂવા!
સૂની મારી સેજ ને સાયબો દૂર દેશાવર!
કરે કડાકા! વેરણ વીજળી તેગ બરાબર!
ઓરડે એકલકાય આળોટું શૈયામાં હું મીન બરાબર
હાવલાં બોલે, તમરા ગાતાં એકલતાના ગીત સરાસર!
કમખાની કસ જાયરે તૂટી! તૂટતી મારી આશ બરાબર!
હે વેરીડા! હાય રે નફ્ફટ! મૂવા મરને મૂંગો.
મોભે વરસ્યા નેવા છલ્યા ધાર બનીને
આંખ સરોવર પાળ તોડીને આંસુ ધસ્યા દેમાર છલીને
આટલો કાળો કેર શું કરતો એકલી કોમળ જૂઈ કળીને
ભડકે બળતા ઉરની આ જ્વાળાને ઠારું કેમ કરીને?
હવે વધુ કલશોર ના મૂવા મરને મૂંગો!
— રસિક દવે.
(આષાઢી વિરહિણીની ઉક્તિ)