હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ,
હોય ઝાકળ તો ફૂલો પર એ ટપકવું જોઈએ.
કાગદી ફૂલોય અત્તરથી મહેકતાં હોય ત્યાં,
જે ખીલે છે ડાળ પર, એણે પમરવું જોઈએ.
આભ હો કે આંખ, ભીનાં હોય કે ના હોય પણ,
બેઉ કોરાં હો છતાં સ્નેહે વરસવું જોઈએ.
તેજ દીવાએ કે હૈયાએ પ્રગટ કરવાં બધે,
બેઉએ અંધારમાં ચૂપચાપ બળવું જોઈએ.
માત્ર હૈયાથી હમેશાં જીવવું બનતું નથી,
એક હૈયાએ બીજે હૈયે ધબકવું જોઈએ.
ગર્વનું એવું ગમે ત્યારે એ માથું ઊંચકે,
હો ભલેને સૂર્ય એ, એણેય ઢળવું જોઈએ.
હો દિશાઓ ભીંત, ઘરની, કોઈને વાંધો નથી,
પણ હવા આવે તો બારીએ ખખડવું જોઈએ.
કે સ્મરણ ના હોત તો માણસ મરણ ના પામતે,
જિંદગીમાંથી સ્મરણને દૂર કરવું જોઈએ.
ભગવતીકુમાર શર્મા