કાણાને કાણો કહેવાની માથાકૂટમાં પડતો નહિ ,
તારું જોજે, તું બીજાની માથાકૂટમાં પડતો નહિ.
ખાલી મળતા એકલદોકલ મિત્રોમાં રાજી રહેજે,
મારું માને તો ટોળાંની માથાકૂટમાં પડતો નહિ.
મન ફાવે તો બબ્બે અરીસા જોડે રાખી ફરજે તું ,
પણ તું પાછો બે મોઢાની માથાકૂટમાં પડતો નહિ.
શ્રદ્ધા…કેવળ શ્રદ્ધા રાખી ઈશ્વરને તું જપજે બસ ,
માળાની અથવા મણકાની માથાકૂટમાં પડતો નહિ.
તું તારા કદમોને સીધાં રાખે તો એ પૂરતું છે ,
રસ્તાને સીધો કરવાની માથાકૂટમાં પડતો નહિ.
ભારત ભટ્ટ “પવન”