કાળી ધોળી ભૂરી વ્યથા,
ધાર્યા કરતાં બૂરી વ્યથા.
ખાટી- ખોરી- તીખી લાગી,
ચાખી ત્યાં તો તૂરી વ્યથા.
કાપી નાખે અંદરથી એ,
નાજુક નમણી છૂરી વ્યથા.
સર્જક ત્યારે સર્જક બનતો,
પામે પૂરે પૂરી વ્યથા.
મેં એની જ્યાં વાતો માંડી,
મારી સામે ઘૂરી વ્યથા.
તોરણ થઇને લટકી દ્વારે,
ઘરમાં આવી ઝૂરી વ્યથા.
જલસા પાણી મોજે દરિયા,
રાખે ત્યાં ત્યાં દૂરી વ્યથા.
– અનિલ વાળા