કૃત્ય હિચકારું!
તપે કારણ વગર તો સૂર્યને અડબોથ ફટકારું,
કદી હિબકે ચડેલી સાંજની હું પીઠ પસવારું!
ભગાડીને નથી આણી અમે કૈં પૂર્ણિમા ઘરમાં
કરે જો ચંદ્ર ટેંટેં તો અદાલતમાં ન પડકારું!
બનાવી ના શક્યાં ઘર મોરનાં પીંછા વડે જોકે
અમે જોયું હતું ક્યારેક એવું સ્વપ્ન સહિયારું
પ્રથમ જોવું ઘટે કે આખરે સાવજ કરે છે શું,
મને એ ચાટવા આવે પછી શું કામ હડકારું?
નથી હું ગાઈ શકતો ગીત વાસંતી હવે એકલ,
કરે સંગાથ કોયલ તો યુગલગીતોય લલકારું!
મળી રે’શે મને હરરોજ આંસુ એકદમ તાજાં,
ક્હો તો પાંપણો એના વડે હું રોજ શણગારું
વગર મોતે મરી જાશે કદી બદબખ્ત ઇચ્છા,
થશે મારા જ હાથે કોક દી એ કૃત્ય હિચકારું
કિશોર જિકાદરા..