કૃષ્ણ ના જન્મે હૃદયમાં, નાચવાથી શું વળે!
ના ગીતા ઉતરે જીવનમાં, ગોખવાથી શું વળે!
સદ્દવિચારો કૃષ્ણના વહેંચાય ના જો વિશ્વમાં,
મંદિરોમાં માત્ર માખણ વહેંચવાથી શું વળે!
આજ પણ સ્ત્રીનું બધે વસ્ત્રાહરણ જો થાય, તો,
સ્ટેજ પર કેવળ ‘સમોવડ’ માનવાથી શું વળે!
રાતભર પત્તા રમીને ઉજવે જન્માષ્ટમી,
રાક્ષસી દૂષણ હટે ના, જાગવાથી શું વળે!
સગપણોમાં ના ભળે મીઠાશ જો દિલની મધુર,
માટલાં મિસરી ભરેલાં, ફોડવાથી શું વળે!
જીભની કડવાશ, ના સહેજેય ઓછી થાય જો,
તો પ્રસાદી પંજરીની, ચાખવાથી શું વળે!
કૃષ્ણ માફક યુદ્ધમાં જે સારથિ બનતો નથી,
ફેસબુકિયો ફ્રેન્ડ એવો, પામવાથી શું વળે!
આચરણ શ્રીકૃષ્ણને ગમતું કદી ના થાય, તો,
ફક્ત ગીતા ગોખલામાં રાખવાથી શું વળે!
જ્ઞાન ગીતાનું ન પહોંચાડે ‘ધીરજ’ જો વિશ્વમાં,
માત્ર ભારતમાં, કનૈયો જન્મવાથી શું વળે!
ધીરજ