હું તને પૃથ્વી કહું, દુનિયા કહું,
સૃષ્ટિ કહું, કે પછી વિશ્વ ?
કે તને કુટુંબ કહું તો કેવું ?
માનવીએ જોને, કેવા ઘર બનાવ્યા!,
ઊંચ અને નીચનાં, ભેદ બનાવ્યા!
એ બધા, માળા બનાવે તો કેવું?
ના સસ્તાં નાં મોંઘા ,નાં નાના નાં મોટા,
સહુ સરખા બનાવીએ તો કેવું?
રણ અને જળ માટે લડ્યા કરે,
મારું ને તારું માં,અટવાયા કરે,
સીમ અને સરહદને ,એક કરી દઈને
સહુ સહિયારું લઈએ તો કેવું ?
આ માનવીને કહો ને,મન મોકળું રાખે,
ના રાખે કોઈ મતભેદ તો કેવું ?
ઘર ભલે નોખા, ઉત્સવ ભલે નોખા,
સહુ ભેગા ઉજવીએ તો કેવું ?
મારું બસ ચાલે તો ,ઊડી જાઉં આકાશે,
હું તો ખેડી લઉં દરિયાને,
વાટકામાં ભરી લઉં આ વિશ્વને!
સહુને સરખું વહેચીએ તો કેવું?
સરહદનાં છેડાને ભેગા કરી લઈએ
એકતા, સમાનતાને ભાઈચારાથી રહીએ
ભૂલીને જાત પાત,એક થઈ જઈએ
સહુ અમન ફેલાવીએ તો કેવું ?
પશુ, પંખીડાને, સરહદ નડે નઈ,
અડે નઈ કોઈ એને છેડા,
આપણે તો કહેવાઈએ એક ડાળના પંખી,
પાંખો બધાને એક સરખી,
સહુ સંપીને ઉડીએ તો કેવું ?
આ ધરતી ,આકાશ, વન-ઉપવનને દરિયો,
સહુનાં માટે એતો સરખા,
એને નોખા નાં કરીએ તો કેવું ?
વસુધૈવ કુટુમ્બકમ કુદરતે કેળવ્યું
સહુમાં કેળવીએ તો કેવું ?
– ડૉ. ઉષા જાદવ “શ્યામા”