કૈંકને વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર,
આપણે જીવી બતાવ્યું આપણી તાકાત પર.
એવા લોકો રોજ વધતા જાય છે આ વિશ્વમાં,
ના ભરોસો દિન ઉપર, શંકા કરે છે રાત પર.
પીઠ કોઈ થાબડે તો પણ દુઃખી થઈ જાય છે,
જેની સર્જકતા નભે છે નિતનવા આઘાત પર.
વહોરવી ના હોય જો બદનામી કોઈ કારણ વગર,
સ્હેજ અંકુશ રાખવાનો આપણા જજબાત પર.
તારું, મારું, કોઈનું પણ છે જ નહિ એમાં ભલું,
ભાઈ, પડદો પાડી દે તું એ બધી પંચાત પર.
આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો,
ધ્યાન છે લોકોનું બસ પ્રખ્યાત ને કુખ્યાત પર.
– કિરણસિંહ ચૌહાણ