રૂઢિચુસ્ત રિવાજોનું આણ નથી બનવું;
કોઈએ મજબૂરીથી આપેલું દાણ નથી બનવું…
સ્વાર્થનાં સંબંધોમાં એક સ્વાર્થ મારોય હતો;
મારે માનવીની સારપનું કાંઈ પ્રમાણ નથી બનવું…
હાથ તો આજેય છે વાસુદેવનો મારા માથે;
છતાંય ભીષ્મની બાણશૈયાનું બાણ નથી બનવું…
લોભ, ઇર્ષ્યાને અહમનાં ત્રિકોણમાં ફસાયા છે બધાં;
પરંતુ મારે આ ત્રિકોણનું પરિમાણ નથી બનવું…
હુંય ઈચ્છું છું કે ઠારીને જાય મને પણ કોઈ;
મારે મનની અંદર ભભૂકતું રમખાણ નથી બનવું…
જાણું છું જવાબ છતાંય સવાલ પૂછ્યો છે તેને;
મારે તેની લાગણીઓથી અજાણ નથી બનવું…
શરત બસ એટલી હતી કે સમાવી લઉં તેને ખુદમાં;
પણ મારે એક મોતી માટે, સમંદરનું ઊંડાણ નથી બનવું…
તું બધું જ લઈ જાને, મારું કશું ક્યાંય છે જ નહીં;
મારે આ ભૌતિક સુખો માટે કરેલું ઘમાસાણ નથી બનવું…
ભૂલી જઈશ રસ્તા બધાં જતાં તે મંઝિલે;
મારે સ્વયંને ખોઈને કરેલા પ્રેમનું ખેંચાણ નથી બનવું…
છું હયાત તો લાવને આપ-લે કરીયે થોડી ખુશીઓની;
મારે મારાં ગયા પછી કોઈનું કરેલું મોકાણ નથી બનવું…
~પલાશ બારોટ ‘અનંત’