આપણામાંથી કોક તો જાગે !
કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી
હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !
– વેણીભાઈ પુરોહિત