કો’ક ના તે વેણને વીણી વીણીને વીરા
ઉછી ઉધારા ના કરીએ,
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે,
ને મોરલો કોઇની કેકા ;
માનવીનું કાળજ તે કેવું કર્યું
પીડ પોતાની, પારકા લહેકા.
રૂડાં રૂપાળાં શઢ કોઈના શું કામના?
પોતાને તુંબડે તરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ,
ને રેલાવી દઈએ એક સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે,
ભલે પાસે જ હોય કે દૂર,
ઓલ્યા તે મોતમાં જીવી ગયા
ને વીરા,
જીવતાં ન આપણે મરીએ…
મકરંદ દવે