માણસોનાં એક એક કોળિયે,
વીઘાઓમાં અને એકરોમાં પાડેલો,
મુજ પરસેવો સહુને કેમ ન ગંધાય ?
સ્ટેમીના અને એક્સરસાઇઝની,
વાતો કરતા અમીરો, ફાંકડા લાગે,
જ્યારે મુજ બાવડાથી કૌવત થાય !
તડકો, ઠંડીનો ભડકો કે વરસાદનો થડકો,
ઋતુઓને અને મારે લેવાદેવા નહીં,
પણ સંવેદનાને જબરદસ્તી કેમની બંધાય ?
દીકરી જન્મી ત્યારે એને બાથમાં લેવી’તી,
એની ઘરગત્તાની સાહ્યબીને માલવી’તી,
એ સાસરે ગઈ ત્યારે પાંપણો લૂછવી’તી !
ને લાલાને કાંડે પાવડો નહીં કલમ રહે એ માટે,
ખેતરની આડમાં જ મેં એને, ખૂબ કૂટ્યો છે !
હેતથી એને માથે, ક્યાં કોઈ’દિ હાથ મૂક્યો છે ?
પેઢીઓની પેઢીઓ લોહી-પરસેવેથી જીવી છે,
મહેસૂલદારો અને વચેટિયાઓએ જીંદગી આખી પીધી છે !
ને રાજાઓએ અમારી કાળજી ક્યાં કોઈ’દી લીધી છે !
કદાચ બંજર ભૂમિ, મારી દીનતાથી જ ઘેરાય છે,
મારી મહેનતને વધાવી, એ એનો પાલવ ધરે છે !
મુઠ્ઠી ફાટે એવાં ધાનનાં, અઢળક મોલ ખડકે છે !
પણ બજારે, ચોકે, મંડીઓમાં હું લાચાર ફરું છું,
ફકત મહેનતના દામ માટે જ દરબદર રખડું છું,
તોય દરવખતે નિસાસાઓની ગૂણો લઈ પાછો ફરું છું !
ધરતીનાં છોરુંઓ માટે જાત આખી વાવું છું,
અભેમાન નથી કરતો પણ જન જન જીવાડું છું,
સાંભળો ! હું ખેડૂત છું, આપના દેવદૂતથી કમ નથી !