તલવારની ધાર જેવો તપ્યો છે ભાદરવો,
નવખંડ ભરપૂર વરસ્યો છે ભાદરવો.
ખેડ ખેડુએ નાખ્યા હતા ખૂબ નિસાસા,
ભાંગ્યાનો ભેરૂ બનીને ગરજ્યો છે ભાદરવો.
ધરતી તો સૂપડાધારે બની રસતરબોળ,
આશાથી આખરે છલક્યો છે ભાદરવો.
આતુર હતું જાણે હાથતાળી આપવા ચોમાસું,
પડતી બૂમે કાવડ ભરી દોડ્યો છે ભાદરવો.
પાક પાણીનું ચિત્ર પળભરમાં બદલાયું,
મેઘ મહારથીની ચાલે ચાલ્યો છે ભાદરવો.
-દિનેશ નાયક “અક્ષર”