જન્મતા પછી જે પ્રથમ, જીભને સ્પર્શી હતી,
મા, મારી મહામૂલી, ગરવી ભાષા ગુજરાતી.
કાલી ઘેલી, તૂટક તૂટક,તોયે સમજાતી હતી,
હાલરડાંથી થઈ શરૂ ને,મરશિયા સુધી જતી.
મા, મારી મહામૂલી, ગરવી ભાષા ગુજરાતી.
એક શબ્દે કરે સંધાન, કંઈ કેટલાયે લક્ષ્ય નું,
શૂરવીરને કરે સાબદો, બદલે જીવનની ગતિ.
મા, મારી મહામૂલી,ગરવી ભાષા ગુજરાતી.
સરદાર કેરી ત્રાડ માં,ને નર્મદના ઘેરા રાગમાં,
ગાંધીના સત્યાગ્રહમાં,જે પ્રચડ થઈ ગુંજતી.
મા, મારી મહામૂલી,ગરવી ભાષા ગુજરાતી.
નરસિંહના પ્રભાતિયાં, કે હો અખાના છપ્પા,
ને મેઘાણીની વારતામાં, વૈભવે જે મલકતી.
મા, મારી મહામૂલી, ગરવી ભાષા ગુજરાતી.
વંદે તને જન જન હે,મા કલ્યાણી માતૃવાણી,
વિશ્વનાં હર ખંડમાં, તુજ હો ગરિમા છલકતી,
મા, મારી મહામૂલી, ગરવી ભાષા ગુજરાતી.
~દિલીપ ધોળકિયા,”શ્યામ”