મળી ગળથૂથીમાં મીઠી ગુજરાતી,
લડ્યો એટલે સામી રાખીને છાતી..
હું હાલરડાંથી પોઢી જાતો નિરાંતે,
પરી સ્વપ્નમાં ભેટતી રોજ રાતે;
પ્રભાતે ભજનમાંય મા એ જ ગાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
કલમનું પૂજન સૌ નિશાળોમાં થાતું,
વિના ભાર ભણતર, સહજમાં ભણાતું;
નીતિ કાવ્ય ને વારતામાં વણાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
વિદેશી પ્રવાહો મથ્યા એકસાથે,
હરાવી શક્યા ના, ફર્યા ખાલી હાથે;
ખરી વીરતા ઘોડિયામાં ઘૂંટાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
દુહા, છંદમાં શાસ્ત્ર આખું વણાતું,
કથા, લોકગીતોથી જીવન ઘડાતું;
મહત્તાથી આખા મલકમાં પૂજાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
જીવન-જ્ઞાન હું માતૃભાષામાં પામ્યો,
છતાં કોઈને ના મેં નીચો નમાવ્યો;
‘ધીરજ’ ને ખુમારીથી થઈ આંખ રાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા