પથિક છે જિંદગીનો આ અજબ પૈગામ ચાલ્યા કર,
સતત આગળ ને આગળ છે સકલ અંજામ ચાલ્યા કર.
વિકટ છે ખૂબ લાંબો પંથ સંકટથી ભરેલો છે,
અડગ ડગ માંડજો,રાખી જિગરમાં હામ ચાલ્યા કર.
અગર અટકી ગયા તો પ્હોંચશો મંઝિલ સુધી ક્યારે ?
કદી ક્યાં હોય છે કંઇ નામ કે કંઇ ઠામ ચાલ્યા કર.
કદી કંટક કદી ફૂલો નિરંતર આવવાના છે.
સજગ થઇ રાહ ના ભૂલો થશે સૌ કામ ચાલ્યા કર.
અપેક્ષા લઇ ન જાણે ક્યાં ભટકતો હોય છે માણસ ?
કરી દર્શન સ્વયં ભીતર છે ચારોધામ ચાલ્યા કર.
-દિનેશ નાયક “અક્ષર”