જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,
નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે.
હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.
તમારી પારખું દ્રષ્ટીનું પણ છે પારખું આજે,
હું પાણીદાર મોતી છું, મને કંકર ન માની લે.
કર્યુ છે ડોકીયું તેં કયાં કદી મુજ શ્યામ ભીતરમાં?
હું જો દેખાવું સુંદર તો મને સુંદર ન માની લે.
જે હૈયે હોય છે તેને ન હોઠે આવવા દઉં છું,
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે.
કહ્યું માનું છું ડાહ્યાનું – વખત વરતીને ચાલું છું,
જો બેસું સમસમીને તો મને કાયર ન માની લે.
જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું,
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે.
કૃપાથી એની, ધારું તો હું જ ‘કિસ્મત’ ને વાંચી દઉં,
પરંતુ ડર છે મુજને ક્યાંક તું ઈશ્વર ન માની લે.
–
‘કિસ્મત’ કુરેશી