સંપૂર્ણ માટે જ, નહીં કે લેશ માટે જીવજો
જીવવું જ છે તો પછી દેશ માટે જીવજો
ઓઢાડવો જ પડે તિરંગો આપણાં પાર્થિવને
એવાં જ કર્મયોગનાં વેશ માટે જીવજો
આહાર,નિદ્રા,ભય,મૈથુન તો પશુ-પક્ષીમાં ય
તમે ના ફક્ત એવાં દુન્યવી ટેસ માટે જીવજો
કરી દો ન્યોછાવર જાતને કર્તવ્યપાલન કાજ
રાવણને રોકતી જટાયુની ઠેસ માટે જીવજો
દેવતાઓને ય દુર્લભ એવો મનુષ્ય દેહ છે તો
નીચોવી નાંખો જાતને,ના એશ માટે જીવજો
– મિત્તલ ખેતાણી