નથી હોકો નથી છીંકણી જૂનું ઘર યાદ આવે છે.
નથી ફરતી હવે કીટલી જૂનું ઘર યાદ આવે છે.
ઊભા રહી એક પગ પર મે બધા ખાનામાં મૂકીતી,
લીસીને ગોળ જે ઠીકરી જૂનું ઘર યાદ આવે છે.
નથી લીંપણ નથી એ ઓકળીમાં છાપ હાથોની,
બધી યાદો છે ગઈ વીસરી જૂનું ઘર યાદ આવે છે.
એ ચૂલાને ભૂંગળની દોસતીથી આખું ઘર મહેંકે,
મળી ભેગા પીધી ખીચડી જૂનું ઘર યાદ આવે છે.
એ માનો સાડલો જૂનો ચંદરવા ચાર પડતાતાં,
જેને સંભાળે છે દીકરી જૂનું ઘર યાદ આવે છે.
હતાં નળિયાના નેવામાં સંબંધોના મીઠા ઝાકળ,
બધી એ લાગણી નીતરી જૂનું ઘર યાદ આવે છે.
હતી મૂંછોની મર્યાદા ઝીણી ઝાંઝરની રણઝણમાં,
ચૂંભે એ આજ સોસરવી જૂનું ઘર યાદ આવે છે.
નતી ઘડિયાળની ટકટક નતી મોબાઇલની રણઝણ,
સમયની કાંચળી ઊતરી જૂનું ઘર યાદ આવે છે. ..
પારુલ બારોટ