તારી પાછળ પડ્યાંથી પસ્તાયું છે હૃદય,
ના જાણે કેટલી જગ્યા એ થી જોખમાયું છે હૃદય.
છાને ખૂણે જાકારો આપ્યો હશે તે ચોક્કસ
જો ને રડી રડીને કેટલું તરડાયું છે હૃદય.
ઉઝરડા આ પ્રેમના ને હજી નીતરે છે લોહી,
તારા નામના ધબકાર થી ઘણું વલોવાયું છે હૃદય.
ટાંકી લેત, સિવી લેત, અરે ટેભા પણ ભરી લેત હું,
જતાં જતાં કહી ગયો હોત ક્યાંથી ચીરાયું છે હૃદય.
હજી ચાલ્યા કરે છે કદાચ ચાલશે હજી પણ ખરું,
જૂની યાદોના ઉંજણથી જો છલકાયું છે હૃદય.
પ્રેમ બનીને રહે છે નસ નસમાં તું હજી પણ,
તારા ઘરની ડેલી તરફ ડાબી બાજુ ગોઠવાયું છે હૃદય.
તારી પાછળ પડ્યાંથી પસ્તાયું છે હૃદય,
ના જાણે કેટલી જગ્યાએથી જોખમાયું છે હૃદય.
નીતા કંસારા