અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના
ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ
તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા
એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી
આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?
– સંજુ વાળા