ઈચ્છા હું તારી એમ કૈં હસ્તક નહીં કરું,
તારા ઉપર હું કોઈ હવે હક નહીં કરું.
આંસુ નથી જે આંખમાં એમાં ડૂબી ગયો,
બચવા જરાય કોશિશ નાહક નહીં કરું.
તાળાંકૂંચીમાં વિશ્વને મૂકી દીધું હો ત્યાં,
એને હવે જરાય વિનાશક નહીં કરું.
વિશ્વાસનો આ દોર થયો માંડ હો શરુ,
તેને હવે હું બંધ અચાનક નહીં કરું.
મારા વગર હું જીવી શકું એકલો અગર,
તો પાસ તું હો, એમ હું નાટક નહીં કરું.
શોધે છતાં હું લોકને જડતો નથી હવે,
ઈશ્વર ગણી લે કોઈ તો રકઝક નહીં કરું.
સામે હું હોઉં ને એ તને જો બતાવી દે,
દર્પણ ઉપર હું તેથી કદી શક નહીં કરું.
એકલપણાથી આમ ઠસોઠસ થવામાં હો,
ત્યાં ખાલીખાલી હું તને ભરચક નહીં કરું.
ભગવતીકુમાર શર્મા