તારો ચહેરો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી ?
ને મારા હાથમાં જ્યારે અરીસો હતો ત્યારે તું ક્યાં હતી ?
મોસમ આવી’તી, ગુલદસ્તો દેતી ગઈ, હું જોતો રહ્યો,
એક કોરી કૂંપળ સમો દિલાસો હતો ત્યારે તું ક્યાં હતી ?
તું નહિ, ઘર નહિ, ના તારા ઘરની ભીંતનો છાયો હતો,
એકલો હું ઊભો હતો ને માથે તડકો હતો ત્યારે તું ક્યાં હતી ?
મારી મુઠ્ઠીમાં કંકુ ને ચોખા હતા ને એક મીંઢળ હતું,
ને સમય પણ મારી માફક કુંવારો હતો, ત્યારે તું ક્યાં હતી ?
આંખો તેજસ્વી હતી, ચહેરો રૂપાળો હતો ને વાળ કાળા હતા,
ને તારી યાદોએ તંબુ તાણ્યા’તા, ત્યારે તું ક્યાં હતી ?
– ખલીલ ધનતેજવી