સમયને થાય એ વિસ્મય સુધી આવો,
તિમિર તોડીને સૂર્યોદય સુધી આવો,
અધરનાં ગોખમાં છે શબ્દ પારેવા,
ફફડતી પાંખનાં નિર્ણય સુધી આવો,
ધબકતું હોય હૈયું એક તાલે જયાં,
અચળ આલિંગવા આશય સુધી આવો,
અષાઢી રાતની ઘેઘૂર અધુરપમાં,
પ્રચુર ઘન મેઘ થઈ વિષય સુધી આવો,
મને મારી જ ઓળખ આપી દે એવાં,
પ્રણયનાં આયને પરિચય સુધી આવો,
ઢળી છે ચાંદનીમય લ્યો સુરાહી પણ,
છલકતો જામ થઈ પરિણય સુધી આવો,
કબુલો ના ભલે,ક્ષણભર પ્રણયને પણ,
તો ખુદને છેતરી અભિનય સુધી આવો,
~ પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’