તું મળે, જીદ્દ ફળે
લોક છો ને બળે
આ નજર ટળવળે
તું જુએ, કળ વળે
સાંજના સ્પર્શથી
સૂર્ય પણ ઓગળે
આજ સાગર સ્વયં
જઈ નદીને મળે
બોખલા સ્મિતમાં
બાળપણ સળવળે
જે ગુમાવ્યું અહીં
એ જ પાછું મળે
શબ્દના કાગળે
રોજ દીવા બળે
આંખને ખોલતાં
જિંદગી પ્રજ્વળે
આંખને બીડતાં
જિંદગી ઝળહળે.
: હિમલ પંડ્યા