તરસ…એક તૃષ્ણા, કે પછી એક પ્યાસ,
જેના હોવાથી અટકી જાય શ્વાસ.
રાહ પછી ભલે હોય પ્રેમ કે પાણીની,
બસ એક બુંદ મળી જાય તરસ છીપાવાની.
વ્હેલી સવારે ધુમ્મસમાં ધૂંધલું દેખાણું,
બારી પર વાટ જોતું એક પક્ષી મજાનું.
પાંદડાંથી ઝાકળનું ટીપું ક્યારે ટપકશે?
ક્યારે મારી ચાંચમાં આવીને બેસશે?
એને પોતાના ગળાની પ્યાસ બુજાવવી હતી,
એને જોઈ મને મારી તૃષ્ણા યાદ આવી હતી.
તને ગયાને એક દસકો વીતી ગયો,
તને જોયાને એક અરસો થઈ ગયો.
નાનકડાં પક્ષીની જેમ હું પણ તરસ્યો છું,
તારી આંખો, તારું સ્મિત..તારી ઝલકનો ભૂખ્યો છું.
તું પાછી આવે, તો આ તૃષ્ણા મટે,
તને નિહાળું, તો હૃદય ખીલી ઉઠે.
વધુ રાહ જોવરાવી સારું નથી, એ જાણી લે તું,
તારી ગેરહાજરી સજા છે, એ માની લે તું.
બસ હવે બહુ થયું.. તરસ્યો ન રાખ મને,
આવી જા, આ એકલતાથી મુક્તિ આપ મને.
શમીમ મર્ચન્ટ