થાક્યા હશે એ..
(એક ડૉક્ટરના સ્વર્ગવાસ નિમિત્તે લખાયેલ રચના )
એક તબીબને શાંતિથી મરવાય દેજો,
શુષ્ક હૈયાં ચીરીને થાક્યા હશે એ..
એ કદી સાચુકલું ઊંઘી શકે નહિ?
અન્ય માટે રાત-દિ’ જાગ્યા હશે એ..
સૌ કહી ભગવાન, લૂંટારા જ સમજે!
ખોખલા આ દંભથી, ભાંગ્યા હશે એ..
સ્વસ્થ હૈયું આવી રીતે ના જ અટકે,
દર્દ સૌનાં સંઘર્યે રાખ્યા હશે એ..
ચાલવાથી દિલ બને મજબૂત, પરંતુ,
વ્યસ્તતામાં કઈ રીતે ચાલ્યા હશે એ!
મૃત્યુનો મતલબ ખરો – વસ્ત્રો બદલવાં,
– વાત આ, શ્રીકૃષ્ણની, માન્યા હશે એ..
એક તબીબ ક્યાંયે ‘ધીરજ’થી રહી શકે કે?
સ્વર્ગમાં પણ કામ પર લાગ્યા હશે એ..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા