આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો
પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો.
ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો.
આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો.
શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો
– જ્યોતિ હિરાણી