દૂર ક્ષિતિજ સુધી જાય એવી નજર ક્યાં હતી,
મારી સમિપે તો એકેય એને મળતી ડગર ક્યાં હતી.
ધરતીને આકાશનુ ત્યાં સતત છે અનેરુ મિલન,
પણ એ આલ્હાદક ને રોમાંચની કદર ક્યાં હતી.
હોય નહીં જ્યાં માત્ર દુન્યવી સંબંધોની વાતો
જોતા રહ્યા લોકો,પણ જાદુઈ અસર ક્યાં હતી.
ચિત્રકારની રચના ઉતમ છે કે રચનાર ઉત્તમ!!
કશ્મકશની આ ઘડીમાં કુદરતની કસર ક્યાં હતી.
નેજવું કરી તાકતી એ ક્ષિતિજ સુધીની નજર,
મિલનનું માધુર્ય માણવા અવનીમાં સબર ક્યાં હતી.
લીલીછમ્મ ધરતીની ઝંખનાને કેમ છુપાવવી!!
વિષુવવૃત્તના અક્ષને આ સંબંધની ખબર ક્યાં હતી.
આકાશ મેઘ બનીને અનરાધાર વરસતો રહ્યો,
એના આ નિશ્વાર્થ પ્રેમમાં અગર મગર ક્યાં હતી.
~ ફાલ્ગુની વસાવડા.