કાંતનું આ પંખી ઊડે નહીં તો સારું,
આ સાથ એક છેલ્લો છૂટે નહીં તો સારું!
દિલની જમીન પર મેં પોતું કર્યું છે આજે,
કોઈ હવે અહીં પગ મૂકે નહીં તો સારું!
હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે,
આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું!
અંધાર આખરે બહુ આવી ગયો છે માફક,
કોઈ નવીન સૂરજ ઊગે નહીં તો સારું!
મહેમાન થઇ ઉદાસી આવી ભલે ફરીથી,
ભેટી અને ફરીથી ચૂમે નહીં તો સારું!
પૂરા નગરને જઇને રૂમાલ જે બતાવે,
એ આંસુઓ અમારા લૂછે નહીં તો સારું!
સંબંધમાં અમે જે અનુભવ કર્યા છે કડવા,
મૃત્યુ સુધી હૃદય એ ભૂલે નહીં તો સારું!
ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તેં,
ઈશ્વર નવો હવે તું પૂજે નહીં તો સારું!
એના વિશે લખું તો બદનામ ઇશ્ક થાશે,
એકેય શેર એનો સૂઝે નહીં તો સારું!
આ રાતના તમસમાં એકત્વ છે ઉપેક્ષિત,
એમાં સવાર રંગો પૂરે નહીં તો સારું!
– વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’