ના સહી શકું, ના કહી શકું, કેવી દશા છે,
છે દર્દો, છે ઝખ્મો ઘણાંને ના કોઈ દવા છે..
કે દોષ મારી તબાહીનો હું આપું પણ કોને?,
છે મારાં જ ગુનાઓ ને એની જ સજા છે..
થાકી ગયો છું બહુ હવે તો હું શોધી શોધીને,
લોક તો રહ્યા સૌ એનાં એજ ચહેરા નવાં છે.
શાને કહો છો ખરો ખોટો કોઈ મજબુરને તમે,
હોય સમય ખરાબ, માણસો તો સૌ ભલા છે..
માંગીને લઉં હું ખુશીઓ એ મંજુર નથી મને,
મળ્યું છે જેટલું અમને તો એમાંય મજા છે..
રાખું અપેક્ષા શાને કોઈનાં સાથની હું પછી,
કે જેનો કોઈ ના હોય, એનો તો ખુદા છે..