ના હું ઇશ્વરમાં માનું છું ,
ના હું ઇશ્વરને જાણું છું
હું તો કેવળ કણકણમાં
હસતા ઇશ્વરને માણું છું
સાગર સરિતા ઝરણાં ઝાકળ
પર્વત જંગલ ફૂલ કળી
પત્થર રેતી રણ ને રજકણ
ગયું હરિનું રુપ ભળી .
કણકણમાં હસતાં ઇશ્વર
હું એનું રુપ વખાણું છું.
હું એ ઇશ્વરને માણું છું .
રંગ રંગના માણસ વચ્ચે
સંગ તો એક હરિનો છે
અસંગ રહીને સંગ માણવો
ખેલ એ ખરાખરીનો છે
દૂર રહીને પરોવતા
એ દોરને હુંય પ્રમાણું છું
હું એ ઇશ્વરને માણું છું.
સઘળે વસતા મીઠું હસતા
રુપ ભલેને જૂદું ધરતા
ઓળખો તો ઇશ્વર આપણને
હળવેથી ઇશારો કરતા
એની વાંસળી કેરાં વીંધમાં
રુધાણું એ ગાણું છું .
હું એ ઇશ્વરને માણું છું
– તુષાર શુક્લ