ને કેમેરા રોઈ પડ્યા.(કાબુલ)
જીગરના ટુકડા સાવ અજાણ્યા હાથોમાં સોંપાતા જોયા…
ને કેમેરા રોઈ પડ્યા.
સહમી મમતાની આંખોએ ગીદ્ધોને મંડરાતા જોયા…
ને કેમેરા રોઈ પડ્યા.
ઝરણાંઓ પર્વતમાં પાછા પનાહ લેવા દોટ મૂકે છે
પંખીઓ ટહુકાને બદલે માળામાં જઇ પોક મૂકે છે
માસુમ આંખોમાંથી જ્યારે દરિયાને ઠલવાતા જોયા…
ને કેમેરા રોઈ પડ્યા.
એવો કેવો ખોફ હશે કે હવા’ય પણ ગૂંગળાઇ મરે છે
છેક મૂળમાંથી ઉખડીને વૃક્ષો ઘાંઘા થઈ ફરે છે
હતભાગી એ ધૂળ,ધરાએ કુટુંબને વિખરાતા જોયા…
ને કેમેરા રોઈ પડ્યા.
મુઠ્ઠીમાં અજવાળું લઈને નાનકડી પગલી પૂછે છે
ભસ્માસૂરના એ સૌ સર્જક પરસેવાને કેમ લૂછે છે ?
માનવતાની દુહાઈ દેનારાઓને સંતાતા જોયા…
ને કેમેરા રોઈ પડ્યા.
કૃષ્ણ દવે