વળે છે કપાળે પરસેવો, ને હોંઠ સુકાઈ જાય છે,
તું હોય સામે તો એક શ્વાસ અધ્ધર મુકાઈ જાય છે;
તને જોતાં જ આપોઆપ મારી પાંપણો નમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
આખો દિવસ ચારેકોર તને જ શોધ્યાં કરું,
તું, તારી વાતો ને તારા આકર્ષણમાં ડૂબ્યાં કરું;
સવાર-સાંજ મનમાં સતત તારાં જ વિચારો રમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
તમામ વચ્ચે મારું ધ્યાન રહે ફક્ત તારાં ઉપર,
ઈચ્છું બસ એક વાર પડી જાય તારી નજર મારાં ઉપર;
તું આવે તૈયાર થઈ ત્યારે આ હૃદય જે ધમધમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
મજાક-મજાકમાં તને કેટલું બધું કહી જાઉં,
તું નથી સમજતી તો તને કેમ કરી સમજાઉં?
લાગણીઓનો ભાર આ હૃદય ચૂપચાપ ખમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
તારી સાથે વાત કરવાનાં રોજ બહાનાં ખોજું,
તારો મેસેજ આવે, તો ફરી વળે આનંદનું મોજું;
તને રોજ મળીને જ આંખોની આ આગ શમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
ભુલાયું છે બાકી બધું, બસ તું જ યાદ છે,
તારા હોવાથી જ તો આ જીવનમાં સ્વાદ છે;
તારી મુસ્કાનથી મારું સમસ્ત અસ્તિત્વ ફોરમે છે,
ને છતાંય તું પૂછે કે મને કોણ ગમે છે?
~પલાશ બારોટ ‘અનંત’