ન્યાય નામે ગાબડાં જોયાં પછી અંદાજ મૂક્યો,
બંધ આંખે ત્રાજવાં જોયાં પછી અંદાજ મૂક્યો..
મોટી-મોટી વાતો કરનારાંય જૂઠાં હોય ક્યારેક,
-એ ગરજતાં વાદળાં જોયાં પછી અંદાજ મૂક્યો..
જંગલોમાં પણ હશે વસ્તીવધારો -પ્રશ્ન મોટો,
શહેર વચ્ચે વાંદરાં જોયાં પછી અંદાજ મૂક્યો..
ક્યાંક હમણાં ચૂંટણી લાગે છે પાછી આવવાની,
બે ઝઘડતા કાગડા જોયા પછી અંદાજ મૂક્યો..
કંઈક મારું કામ પડવાનુંય સૌને હોય શાયદ,
મેં સગાંને પાધરાં જોયાં પછી અંદાજ મૂક્યો..
ઝેર વાળા સાપ સૌ પરિવારમાં ઘૂસ્યા કદાચિત્,
સાવ ખાલી રાફડા જોયા પછી અંદાજ મૂક્યો..
ભાગ દસમો ઈશનો કાઢ્યોય પણ નહિ હોય ક્યારેય,
રોજ ઘરમાં ડાકલાં જોયાં પછી અંદાજ મૂક્યો..
ઝાડ પણ વાવ્યાં નહીં તો, ભઠ્ઠીમાં બળવું જ પડશે,
સાવ ઓછાં લાકડાં જોયાં પછી અંદાજ મૂક્યો..
હોઉં ‘ધીરજ’ સાવ ખોટો -શક્યતા મૂકી શકો, પણ,
કૈક આવા દાખલા જોયા પછી અંદાજ મૂક્યો..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા