પતંગ ની વ્યથા….
માણસો કેવું સતાવે છે મને?
હાથ પગ બાંધી નચાવે છે મને..
દોર દૈ છૂટો ચગાવે છે મને..
બાદ આપસમાં લડાવે છે મને..
મોકળું આકાશ આપી બે ઘડી,
લોકની વચ્ચે લુંટાવે છે મને..
પૂંછડી બાંધી કરે છે મશ્કરી,
પાત્ર હાંસીનું બનાવે છે મને..
વીજળીના થાંભલે કાં ઝાંખરે,
લોક શૂળીએ ચડાવે છે મને..
હોય જાણે સાસરું આકાશમાં,
એમ ધાબેથી વળાવે છે મને..
દોરથી દોરાઉં છું લાચાર થૈ,
માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને!
~ શૈલ મેહતા