પુરો શણગાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો,
જીવનનો ભાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
ગરીબોને મફત આવાસ એવી હેડ લાઈનનું,
જુનું અખબાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
જુનો ઝભ્ભો ઉતારી દીધો છે મેં મોહ માયાનો,
નવો કિરદાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
દુવા પણ કામ ના આવી દવા પણ કામ ના આવી,
બધાં ઉપચાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
તમારા આંસુઓ મારી ચિતા ઠંડી કરી દેશે,
જલદ અંગાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
કિનારે નાવ આવી પણ ઘણી મોડી પડી ‘સાગર’,
હવે મઝધાર ઓઢીને સુતો છું ક્યાં જગાડો છો.
રાકેશ સગર