પેઢીઓનાં ભાવિને ઘડનારને વંદન હજાર,
વર્તમાન ઉન્નત સતત કરનારને વંદન હજાર..
શબ્દ – ‘શિક્ષક’માં, ભલે ‘શિક્ષા’ પ્રથમ દેખાય, પણ,
પ્રેમ સાથે પાઠ શીખવનારને વંદન હજાર..
કેટલું સાર્થક ઠરે ઉપનામ ‘માસ્તર’ એમનું!
‘મા’ના સ્તર પર જ્ઞાન પીરસનારને વંદન હજાર..
‘કાળી પાટી’ જેમ જીવન પણ હતું કોરું-કડાક,
‘શ્વેત ચૉકે’ ચિત્ર ચીતરનારને વંદન હજાર..
જ્ઞાનજળથી શિષ્યનો પાયો કરી મજબૂત ખૂબ,
કામયાબીનાં શિખર ચણનારને વંદન હજાર..
એકડો સદ્દગુણનો જે હાથ પકડી શીખવે,
દુર્ગુણો ‘ડસ્ટર’ વડે ભૂંસનારને વંદન હજાર..
જે સ્વયંના આચરણ દ્વારા વિનય શીખવી શકે,
ભાવિ માટે જાત પણ ઘસનારને વંદન હજાર..
જેમના ચારિત્ર્યની મન પર પડી ઊંડી અસર,
ધ્યેય-મૂર્તિ કાયમી બનનારને વંદન હજાર..
શાંત મન રાખી શક્યો છું, હું ખરી શિક્ષા થકી,
ગુણ ‘ધીરજ’નો કાળજે ભરનારને વંદન હજાર..
✍ ડૉ. ધીરજ એસ. બલદાણિયા