પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!
સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.
પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.
જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?
તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.
જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.
ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!
– વિકી ત્રિવેદી