કારાગૃહના બંધન તોડે,
માતાપિતાની માયા છોડે,
મથુરાનો મોહ ભૂલીને,
વા’લો ગોકુળ તરફ પ્રસ્થાન કરે..
ગોકુળ ગામમાં લીલા કરે,
માખણ ચોરી મટકી ફોડે,
વાંસળીના મધુર સુર છેડીને,
વા’લો વૃંદાવન તરફ પ્રસ્થાન કરે..
રાધિકાનું મનડું હરે,
ગોપીઓના ચિતડા ચોરે,
લાગણીઓનો લઈ સથવારો,
વા’લો પ્રેમ તરફ પ્રસ્થાન કરે..
રાસ રચાવે ગોપીઓ સાથે,
યમુનાકિનારે નાગ નાથે,
ટચલી આંગળીએ ગોવર્ધન તોળીને,
વા’લો મથુરા તરફ પ્રસ્થાન કરે..
રાક્ષસોને પડકાર કરે,
ને મલયુદ્ધમાં હાહાકાર કરે,
અધર્મીઓનો નાશ કરીને,
વા’લો દ્વારિકામાં પ્રસ્થાન કરે..
જ્યારે પાપકર્મનું જતન થાય,
ને પુણ્યકર્મનું પતન થાય,
મિત્રતાનો સહારો લઈને,
વા’લો યુદ્ધ તરફ પ્રસ્થાન કરે..
કૃષ્ણની તો અલગારી વાતો,
ને અનેરા એના કામ,
પ્રેમના પાઠો શીખવીને,
વા’લો વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે….