ભણ્યાં પછી પણ શું ગણવાનું બા પાસેથી શીખ્યો છું હું,
ભાર નકામો ભૂલી જવાનું બા પાસેથી શીખ્યો છું હું.
વહેવારોને જાળવવાનું બા પાસેથી શીખ્યો છું હું,
આદર્શોને ઓળખવાનું બા પાસેથી શીખ્યો છું હું.
સંન્યાસીને જમાડવાનું બા પાસેથી શીખ્યો છું હું,
સંસારી થઈને રહેવાનું બા પાસેથી શીખ્યો છું હું.
ટાઢાકોઠે સાંભળવાનું બા પાસેથી શીખ્યો છું હું,
હૈયું ક્યે એમ જ કરવાનું બા પાસેથી શીખ્યો છું હું.
કણ કણ રે’ ને ઊડે ફોતરાં એ જ માપથી હળવું ભારે-
જરૂર જેટલું ઝાટકવાનું બા પાસેથી શીખ્યો છું હું.
આદુને ઝીણી ખમણીથી કોળાને મોટાં ચાકુથી,
કદ પરમાણે વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું.
મૂઠીમાં મંદરાચળ જેવું, કોઠીમાં ઘઉં દાણા જેવું,
અવર નજરને પારખવાનું બા પાસેથી શીખ્યો છું હું.
કથાપૂજામાં એક આચમન, સૂતક હોય તો માથાબોળ,
પાણી ક્યાં કયમ વાપરવાનું; બા પાસેથી શીખ્યો છું હું.
ચકલીની કણકી નોખી ને ગૌમાતાનો ગ્રાસ અલગ પણ,
થાળી ધોઈનેય પીવાનું બા પાસેથી શીખ્યો છું હું.
પલકવારમાં તાકેતાકા ઉખેળવાની ગુંજાશે પણ,
પંડ જેટલું પાથરવાનું બા પાસેથી શીખ્યો છું હું.
સૂરજને દઈ અર્ઘ્ય સવારે, કરી આરતી સંધ્યા ટાણે,
ચડતી પડતી જીરવવાનુ બા પાસેથી શીખ્યો છું હું.
– પંચમ શુક્લ